મને શબ્દ જો મળે રાહમાં

(કણસલું….                      …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

મને શબ્દ જો મળે રાહમાં, કહું તો હું આટલું કાનમાં;
બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

આ શરીર યાને જરા હવા કરે આવજાવ વિરાનમાં,
હલે તો હલે કોઈ પાંદડુ, બધું સ્થિર અન્યથા સ્થાનમાં.

સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

અથવા#

કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

-વિવેક મનહર ટેલર
(૧૬-૦૯-૨૦૦૭)

છંદવિધાન : લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા (કામિલ છંદ)

# પ્યારા દોસ્તો,

આ વખતે એક કસરત આપ સૌ માટે… ક્યારેક કવિતા લખતાં-લખતાં કોઈ અકળ મૂંઝવણ થઈ આવે છે અને કોઈક પંક્તિ આપણી ચેતના પર હાવી થઈ જાય છે… ક્ષણ તરફ જવું કે સદી તરફ એ નક્કી ન કરી શકાય. મારે જે કહેવું છે એ આ પંક્તિમાં બરાબર કહી શકાશે કે પછી પેલી પંક્તિમાં એ સમજવું અશક્ય થઈ જાય. આ ગઝલમાં એવી જ કંઈ દુવિધા અનુભવી અને ‘રીડર્સ ચોઈસ’ જાણવાનો વિચાર મનમાં આવ્યો… હું શું કહેવા માંગું છું એ નહીં કહું. આપ આ બે શેરમાં કયા શેરમાં અર્થચ્છાયા વધુ સારી રીતે પકડી શકો છો એ જાણવું છે. બેમાંથી કયું ‘વર્ઝન’ આપને વધુ ગમ્યું એ જણાવો અને જો બંને શેર અયોગ્ય કે અર્થહીન લાગે તો એ પણ બિન્દાસ્ત જણાવજો કેમકે આ વખતે બૉલ આપના કૉર્ટમાં છે…

 1. Pinki’s avatar

  દરેક શેર superb…… nice feelings…..!!

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?

  બગભગતની વાર્તાને સાંકળીને આ પંક્તિ મૂકીએ તો
  પંક્તિ સર્જનની ચરમસીમાએ પહોંચે છે …….

  અને બગલાના પાત્રનું ઉર્ધ્વીકરણ !!

  સળંગસૂત્રતા વધુ રસપ્રદ બનાવે છે ………..!!

  Reply

 2. pragnaju’s avatar

  ‘ અપળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
  મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.”
  અમારી દેહદાનની પ્રવૃતિને અનુરુપ શેર એટલે ગમે છે એમ નહીં પણ આમાં દંભ નથી.તમારા પિતાશ્રીને તો આ અંગે સત સત પ્રણામ.પણ અમે અનુભવ્યું છે કે આમાં કુટૂંબી વધુ અડચણ લાવે. તે રીતે તમે દાખલો બેસાડી મોટું કામ કર્ય્ છે. અમે બન્ને જણે તો ડાઈવર્સ લાઈસન્સ-આઈ ડી પર આ છપાવ્ય્ છે.અમારો ડોકટર ભત્રીજો દેહદાનવાળાનાં અંતીમ સંસ્કારમાં બધુ કામ છોડીને પણ જાય!
  તેવું જ ‘શબ્દ’બ્રહ્મ માટે છે.તેમાં સહજ સમાધી- સહજ ધ્યાનથી શબ્દની આરાધના થાય, હસી હસી સુંદર રુપનાં દર્શન થાય તેને સંતોએ શ્રેષ્ઠ કહી છે.
  તેવુ મને આમાં લાગે છે.
  “મને શબ્દ જો મળે રાહમાં, તો કહું હું આટલું કાનમાં;
  બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.
  અને
  “કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?”
  તે તો અનુભવ પણ થઈ ગયો!
  હવે તો તેના પરિણામે સહજ- વૈખરી વાણી નીકળે!
  તેને વહેંચવાની છે…વેચવાની નથી
  દર વખતની જેમ છંદ અગે વાહ વાહ નથી કરવૂં.
  મને થાય કે મારી આવી સ્થિતી ક્યારે થશે?

  Reply

 3. Jayshree’s avatar

  ગયા વખતે ઊર્મિ એ કર્યું હતું ને, એવું કરવાનું મન થાય છે… આખી ગઝલ જ કોપી પેસ્ટ…. 🙂

  અરે ખરેખર દોસ્ત… બધા જ શેર ગમી ગયા….
  જ્યારથી છેલ્લો શેર ઇમેઇલમાં વાંચ્યો હતો, ત્યાર થી ગઝલની રાહ જોવાતી હતી…

  You are just excellent…!!

  સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
  જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

  પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
  મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

  અને તમે જે હોમવર્ક આપ્યું છે, એમાં મારી એક કવિ જેટલી ચાંચ તો ના ડુબે, પણ એક વાત કહીશ કે

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?

  આ શેર પહેલી વાર વાંચ્યો ત્યારે બહુ ખબર ના પડી… પછી ફરીથી વાંચ્યો તો થોડી ખબર પડી…
  અને એ શેરમાં સમજ પડી એટલે જ બીજો શેર તરત સમજાય ગયો….

  Individually મને બંને શેર ગમ્યા…
  પણ, comparatively…. મને બીજો શેર બધુ ગમ્યો… !!

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ?

  Reply

 4. Vishwadeep’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

  ગઝલની મસ્તી માણી! આભાર.

  Reply

 5. ગુંજન ગાંધી’s avatar

  મને શબ્દ જો મળે રાહમાં, તો કહું હું આટલું કાનમાં;
  બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

  – પહેલો મિસરા અતિ સુંદર્, પણ એનાથી જે આશા બંધાય છે એ મજા બીજા મિસરામાં નથી આવતી, આમ શેર સારો જ છે, તો પણ..

  આ શરીર યાને જરા હવા કરે આવજાવ વિરાનમાં,
  હલે તો હલે કોઈ પાંદડુ, બધું સ્થિર છે અન્યથા સ્થાનમાં.

  સદી ગ્યું છે સદીઓથી પિંજરું, ન પૂછો મજા શી ઉડાનમાં ?
  જુઓ બસ, અમારી આ આંખમાં અને સમજી લો બધું સાનમાં.

  — બંને શેર ખૂબ સુંદર

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

  અથવા#

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

  – પહેલો મિસરાની ટોચ સુધી બંને નથી પહોંચતા સાહેબ..

  પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
  મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

  – વાત સારી છે..પણ જે વચ્ચેના બે શેર છે એના ગજાની વાત નથી બનતી.

  નોંધ – વિવેકભાઈ તમે આમંત્રણ આપ્યું છે વાચક તરિકે પ્રતિભાવની એટલે પેટછૂટી વાત કરી..

  હું પણ આમંત્રણ આપું છું મારી આજે જ રચાયેલી ગઝલ પર આપના પ્રતિભાવ માટે..ટૂંકા બહેરની ગઝલ છે http://gujaratikavita.blogspot.com પર…

  Reply

 6. uttam’s avatar

  ખુબ જ સરસ વેરિ વેલ ડ્ન ……..ડોક્ટર્

  Reply

 7. Girish Dave’s avatar

  I like your each gazal&poem very much some time I feel that my own feelings are presented thorugh your words.
  Girish Dave

  Reply

 8. Dhirubhai Chauhan USA’s avatar

  Very Nice

  Reply

 9. Uttam Gajjar’s avatar

  વાહ ! ગઝલકારને ધન્ય છે !
  પગ, પાણી ને શ્વાસનો સંદર્ભ–મેળ પડતો જણાતો નથી
  પગ, પાણી ને માછલીનો મેળ સહજ જ બેસે છે..
  કદાચ શેર બોલકો લાગે; પણ તે તેની નબળાઈ થોડી ગણાય?
  ફરી અભીનંદન..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjat@hotmail.com

  Reply

 10. devika dhruva’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?
  મારા મંતવ્ય પ્રમાણે આ વધારે સારી પંક્તિ છે.

  Reply

 11. Raeesh Maniar’s avatar

  છન્દ સરસ નિભાવાયો છે.
  ગ્યું ટાળી શકાય ?
  બીજા વિકલ્પમાં શ્વાસનો સંદર્ભ જલદી સમજાતો નથી તેથી પહેલો બરાબર છે. માછલી ને બદલે મત્સ્ય કરીએ તો ‘માછલી પકડવા’ મુહાવરા સાથે જે થોડો છીછરાપણા નો સન્કેત (કદાચ) આવે છે તે ટાળી શકાય.’હતા મત્સ્ય ચારેતરફ છતાં’..કેવું રહે?

  Reply

 12. Shah Pravinchandra Kasturchand’s avatar

  કવિકર્મ છે કવિતા પૂરી કરીને મૂકવાનું.
  કવિતા ન થાય ત્યાં સુધી મૂક રહેવાનું.
  અર્થછાયા? બધી ચિંતા કરતો રહે કવિ.
  લાગે સારું ત્યારે ઘરની બહાર લાવવી.
  પ્રસવની વેદના નવ મહીના ભોગવવી.
  ગોરો,કાળો,કે રૂપાળો,ચિંતા છોડી દેવી.
  “આપણે ચિંતવ્યો જે અર્થ એ જ સાચો.
  અન્યનો ચિંતવ્યો એ ગાલ પર તમાચો”

  મમ મૂઢ મતિ મુજબ મેં મૂલવીને મૂક્યું.
  સમર્થ આપ,ક્ષમ્ય ગણજો,લાગે રોડવ્યું .

  Reply

 13. Atul jani’s avatar

  આવું કાંઈ મુકી શકાય્?

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  તરી ન શક્યો ડુબ્યો યે નહીં, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ?

  Reply

 14. shashikant Patel’s avatar

  મને શબ્દ જો મળે રાહમાં, તો કહું હું આટલું કાનમાં;
  બીજું કોઈ ઘર ના ગમ્યું કદી, મને રાખ તારા મકાનમાં.

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

  પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
  મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

  દાદ માગી લે તેવી ગઝલ વાચી મસ્તી આવી ગઈ

  બીજો વિકલ્પ સુદર અને બન્ધબેસે તેવો લાગે.
  અભિન્દન.

  Reply

 15. ઊર્મિ’s avatar

  એક તો મારે માટે આ નવો જ છંદ સમજવાનો અને ઉપરથી આપેલું તારું આ હોમવર્ક… કમાલ કરે છે!

  શેર એમ તો બંને ગમ્યા… (એટલે ખ્યાલ આવી ગયો કે આ ધર્મસંકટ કેમ થયું હશે?!)
  પણ, બીજા શેર વિશે મારા વિચાર… ‘કયું ધ્યાન’ કરતાં ‘કોનું ધ્યાન’ વધારે બેસે…. અને છંદને ધ્યાનમાં રાખી, એને આવી રીતે લખી શકાય??
  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, રહી ગયું ધ્યાન કોનું ધ્યાનમાં ?

  પણ સીલેક્શનની વાત કરું તો, મારા મતે…. ‘એક પગ’ પર ઉભા રહેવાનાં સંદર્ભે માછલીવાળો શેર વધુ બંધ બેસે છે….

  ———–

  ઓહ ગોડ… આટલી કોમેન્ટ ડ્રાફ્ટમાં લખીને તૈયાર કરી હતી ત્યાં તો આ રઈશભાઈ જ પગલાં પાડી ગયા… (એટલે કે એમની આ શિષ્યાની બોલતી બંધ!) 🙂 પણ એટલું તો જરૂર બોલીશ કે, આ રઈશભાઈનું ‘મત્સ્ય’વાળું બોલવામાં/લયમાં જરા વધારે જામે છે!

  Reply

 16. ઊર્મિ’s avatar

  આ ગઝલને ગનીચાચાની આ જ છંદવાળી ગઝલનાં આ રાગમાં ગણગણવાની તો મજા તો કંઇ ઓર જ આવી…

  દિવસો જુદાઈનાં જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
  મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ મિલન સુધી…

  Reply

 17. Maharshi’s avatar

  વાહ વાહ!!!!

  Reply

 18. ramesh shah’s avatar

  વાહ ઘર બાળી ને તીર્થ કરવાવાળા ઓ તત્વગ્યાની! બળેલા દેહ નું દેહ દાન? વિરોધાભાસ કઢતો નથી? થોડીક્ રૂક્ષતા ક્ષમ્ય.

  Reply

 19. Atul jani’s avatar

  પળેપળ બળીને જ જીવ્યો છું.

  અહીં દેહ નથી બળી ગયો, પરંતુ પળે પળે જીવ બળ્યો છે – ઍટલે દેહદાન ઉચિત જ છે.

  બે-અદબી માફ !

  Reply

 20. ramesh shah’s avatar

  વિવેકભાઈ ની ઘણી બધી રચનાઓ ની જેમ જ આ વખતે પણ ‘ટ્યુબ લાઈટ’ મોડી થઈ.અતુલભાઈ,તમારી વાત સાચી છે. દેહ નથી બળ્યો-જીવ જ બળ્યો છે.

  Reply

 21. manvant’s avatar

  બીજુઁ કોઇ ઘર ના ગમ્યુઁ કદી,મને રાખ તારા મકાનમાઁ
  મકાનમાઁ જગ્યા છે કે ? !

  Reply

 22. Harnish Jani’s avatar

  I m impressed with the discussion–Everybody seems to be very knowledgable.I learnt a lot reading this discussion-.By the way,I liked the first “sher” because it is easy to understand for the reader like me-Keep it up VivekKumar.

  Reply

 23. Chetan Framewala’s avatar

  વિવેકભાઈ,
  સુંદર ગઝલ,

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?
  બન્ને શેર માં આ વધુ બંધબેસતો છે..
  જીવનમાં એવા ઘણા મોકા આવે છે જેની આપણે ચાતક ડોળે રાહ જોતા રહીએ છીએ, પણ જે શ્રણે મોક્ષની બારી ખુલે છે બસ એ એક જ શ્રણ આપણુ મન ચલિત થયું હોય છે..
  ઊડયન ઠક્કરની એક રચનામાં આવુંજ કઈંક છે..
  શેર બરાબર યાદ નથી પણ કઈંક આવું છે કે…
  મારૂં મન પ્રસાદના પળીયા માં રહ્યું,
  ને એક શ્રણ માટે જ દર્શન ઊગડ્યા….

  જય ગુર્જરી,
  ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

  Reply

 24. Neetu patel’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

  આ શેર વધારે યોગ્ય લાગે છે. કારણ કે તે વ્યાવહારિક અને સુગમ્ય છે.

  Reply

 25. Bhavna Shukla’s avatar

  ક્ષણ ને પકડ્યા સિવાય તો સદી સુધી કેમ પહોચાય !!! ક્ષણો ને બાદ કરશો તો સદી મા શુ બચશે!
  લાગે છે છંદ ને શબ્દોની કસરત, કહો ને કશ્મકશમા અને છંદનો મેળ ગોઠવવામા ભાવ પર ની પકડ જ….રા….ક… ઢીલી પડી જાય છે અને અહી જ કવિ ની જબરદસ્ત મુંઝવણ પ્રતિત થાય છે. જેને કવિ કબુલે છે કે “અયોગ્ય લાગે તો પણ બિંદાસ્ત જણાવજો”
  કવિતા ક્યા શરુ કરો છો અને ક્યા છોડો છો તેની બરાબર મધ્યમા ભાવ ધબસવાનુ શરુ કરે છે. પણ આ ધબકાર એક નોર્મલ વ્યક્તિના નથી પણ એક “પીડા છે પણ પીડે છે કે આનંદે છે તે નક્કી ના કરી શકતા” કવિ ના છે. માટે જ કયાક અનિયમિત લાગે છે.
  ……..

  ભાવના શુક્લ

  Reply

 26. Kavita’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ?

  મને હંમેશા લાગ્યું છે કે subtlity માં કવિતા છે, અને તેનું વજૂદ છે, બીજો શેર વધારે ગમ્યો.

  Reply

 27. Sangita’s avatar

  સુંદર ગઝલ વિવેકભાઇ! શબ્દો તો શ્વાસ છે તમારાં અને રાહમાં મળે ત્યારે પણ સુંદર ગઝલ સર્જે છે.

  Reply

 28. Ketan Shah’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?

  મને આ શેર જરા વધારે ગમ્યો.

  પણ ઓવરઓલ આખી રચના બહુ જ છે.

  કેતન

  Reply

 29. pravina Avinash Kadakia’s avatar

  પળે પળ બળીને જ જીવ્યો છું મર્યા પછી બાળીને કરશો શું
  મને લઈ જશો ના સ્મ્શાનમાં દઈ દેજો આ દેહ દાનમાં

  વિવેકભાઈ તમને મારા અંતરની વાત કોણ કાનમાં કહી
  ગયું? ભલે હવે એ જગજાહેર થયું બસ હવે શાંતિથી જીવાશે.

  Reply

 30. પંચમ શુક્લ’s avatar

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ? #

  અથવા#

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ? #

  બન્ને અશઆર (પંક્તિઓ) દૃષ્ટિકોણના વૈવિદ્ય પ્રમાણે સરખા જ પ્રસ્તુત છે.
  પહેલો શેર પરંપરાગત ગઝલકારનો છે તો બીજો સહજ રીતે ઉઘડતા કવિની અકળ મોમેંટનો સ્નેપશૉટ છે. અંગત રીતે બીજો શેર મને વધુ કાવ્યાત્મક લાગ્યો.

  ગઝલનો છ્ંદ સરસ છે.

  Reply

 31. વિવેક’s avatar

  વ્હાલા દોસ્તો,

  ગઝલના જે પ્રતિભાવ આપ સૌએ આપ્યા છે એ બદલ આપ સૌનો ઋણી છું. બેમાંથી કયો શેર નક્કી કરવો અથવા બંનેનો જ છેદ ઊડાડી દેવો-એમ ત્રણ વિકલ્પોમાંથી મોટાભાગના મિત્રોએ માછલીવાળો શેર પસંદ કર્યો છે. ઉત્તમભાઈ જેવાએ એ શેર અતિપ્રકટ હોવાનો ભય પણ દર્શાવ્યો. ગુંજનભાઈએ બંને વિકલ્પો બીજા મિસરામાં નબળા સિદ્ધ થતા હોવાનો મત પણ આપ્યો. પ્રવીણભાઈએ કવિતા કરીને સાફ કહી દીધું કે કવિનું કામ પીડા ભોગવીને પ્રસવ કરવાનું છે. જન્મનાર બાળક કેવું હોય એની ચિંતા કરવાનું નહીં.

  હું હજી મારી જાતને આ કવિતાથી કદાચ અલગી કરી શક્યો નથી. એટલે હાલના તબક્કે મારા માટે પણ આ કામ કપરું જ છે. રઈશભાઈએ માછલીની જગ્યાએ મત્સ્યનો વિકલ્પ આપ્યો પણ એ મને યોગ્ય લાગ્યો નથી. પહેલા મિસરામાં જ્યારે બગલાનું ચિત્રાંકન થતું દેખાય છે અને માછલીને પકડવાની વાત આવે ત્યારે બગભગત અને માછલી- આ બે જ શબ્દ યાદ આવે, મત્સ્ય શબ્દ એ પરિપ્રેક્ષ્યમાં આગંતુક લાગે. પણ જો અર્જુનની વાત કરવાની હોય તો મત્સ્ય શબ્દ જ અનાયાસ જણાય, માછલી શબ્દ ત્યાં ખરાબ લાગે.

  માછલી શબ્દ વાપરવાથી મારી દૃષ્ટિએ પહેલા મિસરામાં રચાતું બગલાનું ચિત્ર પૂર્ણ થાય છે પણ એ શેર થોડો અતિપ્રકટતાના દોષથી મુક્ત રહી શક્તો નથી.

  શ્વાસ શબ્દ વાપરવાથી વાચકને થોડી ક્ષણો માટે ત્યાં અટકાવી દઈ શકાય છે કેમકે પહેલી પંક્તિમાં ઊભુ થતું બગલાનું ચિત્ર એક ઝાટકે ત્યાં પૂરું થતું નથી અને ભાવકને આ શું છે એમ વિચારવાની ફરજ પડે છે. શ્વાસ ‘ઝીલવા’ની પ્રક્રિયા જોકે ફરીથી બગલાને એ પંક્તિમાં પાછો ખેંચી આણે છે અને ચિત્ર સાવ અધૂરું ભાસતું નથી…

  …છતાં ય આ ગઝલ આમ જ અધૂરી છોડીને હાલ હું આગળ વધું છું. સમયના ગર્ભમાં ક્યારેક ફરીથી એની સાથે અનુસંધાન લખાયું હશે તો પાછો અહીં જરૂર આવીશ… ત્યાં સુધી આપ સૌ મિત્રોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર…

  Reply

 32. Bhavesh Joshi’s avatar

  Dear vivek bhai,
  Congratulation, Bahut Khub Gazal HAi.

  End of gazal is very best. it realy touch my soul. fantastic.

  Reply

 33. ashoka’s avatar

  Congratulation

  kya kahu ,fantastic,

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હતી માછલી તો ઘણી છતાં હું રહી ગયો કયા ધ્યાનમાં ?

  ખુબ જ સરસ
  -ashoka

  Reply

 34. sanaj morvadiya’s avatar

  મને શબ્દ જો મળે રાહમાં, તો કહું હું આટલું કાનમાં

  Reply

 35. dd’s avatar

  અતિ ઉત્તમ !!

  Reply

 36. shraddha’s avatar

  mind blowing, oosaam, fantastic , doc ur great.

  Reply

 37. ghanshyam’s avatar

  મને બીજો શેર બધુ ગમ્યો… !!

  કયો પગ લઈ કયા પાણીમાં હું યુગોયુગોથી ઊભો હતો ?
  હું ન શ્વાસ એકે ઝીલી શક્યો, કયું ધ્યાન રહી ગયું ધ્યાનમાં ?

  Reply

 38. Rina’s avatar

  Awesome……

  Reply

 39. Anila Amin’s avatar

  આ કાવ્ય વાચિન મને એક કવિતા યાદ આવી ગૈ–કવિનુ નામ યાદ નથી
  ” પિન્જરાનુ બારણુ ખોલીને ,
  પન્ખીને કહેવામા આવ્યુ;
  હવે તુ મુક્ત છે.
  બ્હાર નિકળીને પન્ખીએ,
  માણસ સામે જોયુ;
  અને પાછુ પાજરામા
  પૂરાઈ ગયુ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *