ક્યાંથી તરાવવા ?


(પાંદડે પાંદડે મોતી…                           …સપ્ટેમ્બર, ૨૦૦૭)

પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

-વિવેક મનહર ટેલર
(૦૩-૦૮-૨૦૦૭)

છંદ-વિધાન: ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા

67 comments

 1. Pinki’s avatar

  as usual –

  નવો અને ઉપકારક વિષય …….

  રોજબરોજના શબ્દો જોડે સરસ રમત…..

  અને આ બખિયા તો ,

  વિવેક્ભાઈ કદાચ મને તો એમ કે હવે શબ્દકોશમાં જ
  જોવા મળશે …….. !!

  અને મારું સૌથી ગમતુ

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

  “છંદ – ગઝલ,
  સાર્થ ને ઊંઝા,
  બાળમરણ
  નવોદિતનું !!!”

  અભિનંદન

 2. Ketan Shah’s avatar

  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
  ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

  વ્યાકરણ તો મને આવડતુ જ નથી, પણ તમારી આ ગઝલ માણવાની ખૂબ મજા પડી ગઇ.

  કેતન

 3. વિનય ખત્રી’s avatar

  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા?

  -સુંદર રચના!

 4. Alpa’s avatar

  at last am forced to right a comment….

  really beautiful……

 5. હેમંત પુણેકર’s avatar

  સુંદર ગઝલ વિવેકભાઈ! આ અશઆર ખૂબ ગમ્યાં

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

  એક પ્રશ્ન આ શેર વિશેઃ

  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
  ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

  અહીં “એક તો” ને “ગાગા”માપમાં લીધેલ છે, એ નિર્વાહ્ય છે કે પછી છંદ તુટ્યો ગણાય? બીજા શાયરની પણ એક ગઝલમાં એક જગ્યા એ “એક” શબ્દને “ગા” માપમાં લેવાયો હોવાનું યાદ છે.

 6. Neela’s avatar

  સુંદર શબ્દો છે.

 7. Jayshree’s avatar

  લવચીક એટલે ?

  મને આ શેર ઘણા ગમ્યા….

  પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
  ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

  તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
  મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

 8. ઊર્મિ’s avatar

  પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
  ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
  ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

  તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
  મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

  કાયમ હારા આખી ગઝલને કોમેંટમાં ફરી મૂકવાનું મન થતું હતું, એટલે આજે તો કરી જ દીધી…! 🙂

  આ જ છંદની કોઇ પ્રચલિત ગુજરાતી/હિન્દી ગઝલ/ગીત કે’ને વિવેક? લયમાં ગાતા બરાબર ફાવતું નથી મને… અહીં ના લખ્યો હોત તો આ છંદ ઓળખવો મુશ્કેલ થઈ જાત મારા માટે! આભાર…

 9. Harnish Jani’s avatar

  બહુ જ સરસ-બધા જ શેર તગડા ચ્હે. મઝા પડિ ગય.

 10. Chirag Patel’s avatar

  આ શેરની કલ્પના ઘણી જ ઉત્તમ લાગી.

  તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
  મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

 11. pragnaju’s avatar

  પાંદડે પાંદડે મોતી… નો ફોટો અને સાથે તેને અનુરુપ સુંદર ગઝલ
  પાણી ભરેલા વાદળોને ખેંચી લાવવા,
  ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.

  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,
  ખુદમાં ડૂબી ગયેલને ક્યાંથી તરાવવા ?

  તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
  મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા
  …સુધી તો શેરે શેરે મોતીનો વરસાદ
  છેલ્લે કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
  શુભાન અલ્લાહ.

 12. sunil shah’s avatar

  અદભુત… છેલ્લે દડે છગ્ગો અને ગઝલની સદી પુરી!
  C O N G R A T U L A T I O N S

 13. ketan dave’s avatar

  બહુજ ઉત્તોમ્તમ – very nice – as usual – keep it up

 14. nilamhdoshi’s avatar

  એક તો આ રણ છે વિશાળ ,ઉપરથી ઝાંઝવા વિશાળ…
  ખુદમાં ડૂબી ગયેલાને કયાથી તરાવવા ?

  રસાસ્વાદ વિગતવાર કરાવવાની ઇચ્છા થઇ આવે છે.
  વિવેકભાઇ,અભિનન્દન

 15. Rajiv’s avatar

  સુંદર રચના

 16. Raeesh Maniar’s avatar

  સરસ ગઝલ. એકનો ઉચ્ચાર ઇક જેવો કરી એને ગા તરીકે લઇ શકાય.

 17. Girish Dave’s avatar

  સુંદર રચના
  અભિનન્દન

 18. Himanshu Dave’s avatar

  સુંદર રચના, સુંદર શબ્દો, આભાર.

 19. Pinki’s avatar

  રઈશભાઈ જ મારા પણ પ્રથમ ‘છંદ-ગુરુ’

  મનમા જાણવાની ઈચ્છા ઘણી હતી અને તે પણ

  એમના થકી જ જાણવા મળ્યું તો

  આનંદ !! આનંદ !! પરમાનંદ !!

 20. manvant’s avatar

  ડૂબી ગયેલાને તારવા ને બખિયા ટાઁકવાનાઁ
  આવાઁ અઘરાઁ કામો તો વિવેકભાઈ જ કરે !
  પણ…….’લવચિક’ શુઁ છે વળી પાછુઁ ???

 21. Bhavna Shukla’s avatar

  તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
  મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ?
  ………………………………………………….
  ખુબ જ સુંદર
  શબ્દોના ખેલાડી
  મનની કશ્મકશને શબ્દોમા ભરી, (કહોને નીચોવી) લાવ્યા…….
  બહુ નજાકતથી સ્નેહસુલભ ભાર હળવેક થી ઉતારી દિધો
  પણ ટેલરજીથી એમ છેડો ના ફાટી શક્યો તો વિવેક પુર્વક કહે..
  …………………………………………………………..
  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

  -વિવેક મનહર ટેલર
  ………………………………………………………….
  ભૈ વાહ્!!!!! આનંદ થઇ ગયો.

 22. Neetu patel’s avatar

  ખુબ સરસ.. મજા આઈ ગઈ..

 23. કસુંબલ રંગનો વૈભવ’s avatar

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા

  સુદર ગઝલ …….સર……..તમામ શેર…..ઉત્કૃષ્ટ ..મને તો આ શેરમાઁ સર્જકતાની ચરમસીમા……….દેખાઈ………….

 24. વિવેક’s avatar

  પ્રિય હેમંતભાઈ,

  ‘એક’ શબ્દને એક ગુરુ તરીકે વાપરવા બાબત પૂછ્યો હતો એ બાબતમાં રઈશભાઈએ આમ તો જવાબ આપી જ દીધો છે, પણ હું થોડા ઉદાહરણ આપીને વાત કરવા ઈચ્છીશ. મોડું થવાનું કારણ પણ એજ છે. ઉર્દૂમાં ईक શબ્દને જે રીતે એક ગુરુ તરીકે વાપરવામાં આવે છે એજ રીતે ગુજરાતી ગઝલોમાં પણ ‘એક’ શબ્દ ‘ગા’ અથવા ‘ગાલ’ -એમ બંને રીતે પ્રયોજાતો હોવાનું મારી જાણકારીમાં છે. અરૂઝના બેતાજ બાદશાહ ગણાતા શૂન્યસાહેબ અને જનાબ ઘાયલની ગઝલોમાં મળી આવતા સેંકડો ઉદાહરણોમાંથી જે યાદ છે એ અહીં ટાંકું છું:

  એક તું કે નથી જેને પરવા, એક હું કે સદા ગમ રાખું છું
  ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું
  ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિ:શ્વાસ, નિરાશા, લાચારી
  એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું
  ઠારીને ઠરું એ દીપ નથી, બાળીને બળું એ જ્યોત નથી
  એક પુષ્પ હું જીવનઉપવનમાં, હું રંગને ફોરમ રાખું છું
  -શૂન્ય પાલનપુરી

  એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
  એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર
  કોઈને કોઈ અચાનક ગયું જીવનમાં મરી,
  એક દિવસ ન ગયો હાય, અકસ્માત વગર.
  – અમૃત ઘાયલ

  એક તરફ આપ પાછા સિધાવ્યા,
  એક તરફ દુનિયા ખળભળી દિલની.
  – અમૃત ઘાયલ

  એક જગાએ દર્દ હો તો થાય કંઈ એની દવા,
  હોય જો રગરગ મહીં અંગાર, કોઈ શું કરે !
  – અમૃત ઘાયલ

  કરોડો નગ્ન કાયા છે, કોઈને ઢાંકજો એથી,
  મને એક ચીંથરું પણ ના ખપે મારા કફન માટે.
  -અમૃત ઘાયલ

  આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન
  દે એક મહાન દર્દ અને પારાવાર દે
  – મરીઝ

  એવી કઈ બિહામણી ઘટના બની ગઈ?
  હરએક શૈ, હરએક સૂ, હરએક નજર છે ચૂપ.
  -રમેશ પારેખ

 25. હેમંત પુણેકર’s avatar

  આભાર વિવેકભાઈ! હજુ “એક” છૂટ અંગે જાણકારી મળી એટલે આનંદ થયો. છૂટછાટો અંગેની નવી માહિતી મળે ત્યારે અનાયાસે મન શોલેના ગબ્બરની જેમ બોલી ઉઠતું હોય છેઃ અબ આયેગા મજા, અબ આયેગા મજા ખેલ કા….

  Thanks again!

 26. Pinki’s avatar

  સ્વતંત્રતા , મુક્તિનો આનંદ તે કેટલો, હેમંતભાઈ

  ભલેને તે છંદમાં હોય………

  મનમાં તો હું ય મલકાઈ ………!!!

 27. વિવેક’s avatar

  હેમંતભાઈ,

  થોડા વધુ ઉદાહરણો:

  વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
  બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
  -બરકત વિરાણી ‘બેફામ’

  તમે મલક્યાં હતાં જોકે ફકત એક ફૂલના જેવું,
  મગર ખીલી ગયો છે આખો એક ગુલઝાર મારામાં.
  -બરકત વિરાણી ‘બેફામ’

  કબરનો આ એકાંત ઊંડાણ ખોળો,
  બીજી એક હૂંફાળી જગા યાદ આવી.
  -મરીઝ

  મહોતાજ ના કશાનો હતો કોણ માનશે !
  મારો ય એક જમાનો હતો કોણ માનશે !
  -‘રુસ્વા’ મઝલૂમી

  એક મરજીવાનું ડૂબવું બે રંગ લાવશે,
  બુદબુદ હસી ઊડાવશે, મોતી વધાવશે !
  -શૂન્ય પાલનપુરી

  એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો,
  આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
  -સૈફ પાલનપુરી

 28. વિવેક’s avatar

  પ્રિય જયશ્રી / ઊર્મિ,

  લવચીક એટલે નાજુક, વળે પણ તૂટે નહેં તેવું નરમ.

  અને હવે વાત આ ગઝલના છંદ અંગેની:

  આ ગઝલનો છંદ ગુજરાતી/ઉર્દૂ/હિંદી-ત્રણેય ભાષામાં પ્રમાણમાં ખૂબ ખેડાયેલો છે. આ જ છંદમાં લખેલી મારી કેટલીક ગઝલોના ઉદાહરણ આપું તો:

  તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
  ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.
  http://vmtailor.com/archives/159

  કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
  વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?
  http://vmtailor.com/archives/158

  માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
  દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.
  http://vmtailor.com/archives/147

  જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
  શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!
  http://vmtailor.com/archives/145

  ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
  કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.
  http://vmtailor.com/archives/133

  વધતો જશે ધીમેધીમે થોડો લગાવ, લે !
  ગમતો નથી છો માર્ગમાં એકે પડાવ, લે !
  http://vmtailor.com/archives/131

  જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
  રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.
  http://vmtailor.com/archives/129

  છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે
  મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.
  http://vmtailor.com/archives/115 … અને બીજી અનેક…

  આપણી ભાષાની કેટલીક સુંદર ગઝલો જે આ છંદમાં લખાયેલી છે એના દૃષ્ટાંત પણ ટાંકું:

  પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
  આ હાથ આખેઆખો બળે એમ પણ બને (મનોજ ખંડેરિયા)
  http://layastaro.com/?p=111

  મારો અભાવ મોરની માફક ટહુકશે,
  ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ (મનોજ ખંડેરિયા)
  http://layastaro.com/?p=260

  આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
  ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના ! (મનોજ ખંડેરિયા)
  http://layastaro.com/?p=48

  તાજાકલમમાં એ જ કે તારા ગયા પછી,
  બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત. (મુકુલ ચોક્સી)
  http://layastaro.com/?p=870

  સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
  કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી. (મુકુલ ચોક્સી)
  http://layastaro.com/?p=89

  વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
  મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો. (મણિલાલ દેસાઈ)
  http://layastaro.com/?p=292

  અને અંતે ઊર્મિની ફરમાઈશ પર રઈશ મનીઆરના નવા પુસ્તક ‘ગઝલનું છંદોવિધાન’માંથી આ ગઝલના છંદ પર આધારિત પ્રચલિત ફિલ્મી ગીતોની યાદી… (મજા તો ત્યારે આવશે જ્યારે એક ગીતના ઢાળમાં બીજા ગીતો ગણગણાવશો… 🙂 )

  यूँ हसरतों के दाग मुहब्बत में धो लिये…
  देखा है ज़िंदगी को कुछ ईतना करीब से….
  गुझरे हैं आज़ ईश्क में हम उस मकाम से…
  दिल में किसी के प्यार का जलता हुआ दिया…
  दिल में छुपा के प्यार का तूफ़ान ले चले…
  जो बात तुझ में है तेरी तसवीर में नहीं…
  रुख से ज़रा नकाब उठा दो, मेरे हुज़ूर…
  दुनिया करे सवाल तो हम क्या ज़वाब दे…
  हम हैं मता-ए-कूचा-ए-बाज़ार की तरह…
  जाना था हम से दूर बहाने बना लिये….
  हम बेखुदीमें तुम को पुकारे चले गये…
  दिल चीज़ क्या है, आप मेरी जान लीजिये…
  सब कुछ लुटा के होंश में आये तो क्या हुआ…
  कल रात ज़िंदगी से मुलाकात हो गई…

  -આશા રાખું કે આ લંબાણ સજા નહીં, મજા લાગે…

 29. Jayshree’s avatar

  અરે દોસ્ત… ઘન્ની મજા આવી… !!

  આમ તો મને છંદમાં કંઇ બહુ ટપ્પી નથી પડતી… ( પણ હું કોશિશ તો કરું છું કોઇકવાર.. !! )
  પણ તો યે આ લાં…બી યાદી… એક મજાના સંકલિત રૂપે વાંચીને જાણે વગર દિવાળીએ બોનસ મળી ગયા નો આનંદ થયો…

  અને સૌથી મજા આવી.. એક હિન્દી ગીતને બીજાના ઢાળમાં ગાવાની કોશિશ કરી ત્યારે..!!

  આભાર કહું ??
  ના જવા દો… ચાલશે… !!

 30. ઊર્મિ’s avatar

  વાહ વાહ દોસ્ત… આવા સ્માર્ટ-પ્રશ્નો હવે અમારે પૂછ્યા જ કરવા પડશે… કે આવી મજા અમને આવતી જ રહે! અને આ તો એક-બે પ્રશ્નનાં બદલામાં તેં અમને આખી અપેક્ષીત જ આપી દીધી હોય એવું લાગ્યું… 🙂

  બીજા ઉદાહરણો પણ રઈશભાઈનાં ‘ગઝલઃ રૂપ અને રંગ’ પુસ્તકમાં મને પછી મળ્યાં હતા, જે અહીં ટાંકુ છું…

  – મૈઁ જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…
  – મિલતી હૈ જિંદગી મેં મુહબ્બત કભી કભી…

  ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
  દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

  અને બીજી પણ એક પોપ્યુલર ગઝલ… મરીઝસાહેબની….

  બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
  સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

  વિવેકે આગળ તો સૌને ઘણીવાર કહ્યું છે અને થોડો અભ્યાસ કર્યા પછી હવે હું પણ કહું છું કે રઈશભાઈનું ‘ગઝલઃ રૂપ અને રંગ’ પુસ્તક છંદ શીખવાની ઈચ્છા રાખતાં મારા જેવાં સૌ નવોદિતોએ વસાવવા જેવું છે!! રઈશભાઈનો ઘણો આભાર… આ પુસ્તક મને આપવા બદલ!

 31. હેમંત પુણેકર’s avatar

  વિવેકભાઈ,

  બાત નીકલી હૈ તો દૂર તલક જાએગી…. ના હિસાબે હજુ એક પ્રશ્નઃ

  दिल चीज़ क्या है, आप मेरी जान लीजिये માં “મેરી” અને
  जो बात तुझ में है तेरी तसवीर में नहीं માં “તેરી”
  “લગા” માપમાં લેવાયું હોય એવું લાગે છે. શું મારું અવલોકન બરાબર છે?

  હજુ એક વાત યાદ આવે છે કે જે મેં રાજીવના બ્લૉગ પર ગાલિબની એક ગઝલમાં mark કરી હતી કે મેરા ના સ્થાને કદાચ “મિરા” એવો શબ્દ હતો. તો શું મિરા જેવો ઉચ્ચાર કરીને મેરાને પણ લગા માપમાં નિર્વાહ્ય ગણી શકાય?

 32. ગુંજન ગાંધી’s avatar

  સુંદર ગઝલ અને ઉત્કૃષ્ટ ચર્ચા છંદ શાસ્ત્ર ઉપર..

 33. vijay shah’s avatar

  વિવેક ભાઇ

  એક મુશાયરામાં બેઠા હોય અને ચર્ચા ચાલતી હોય તેવી મઝા આવી
  ૨૦૦૮માં અહીં થનારા ચાલો ગુજરાતમાં આપ અને હેમંત પૂણેકર આવો તેવો પ્રયત્ન કરીયે ધવલ્ભાઇ, હર્નીશભાઇ અને નીલેશભાઇ..બરોબરને…

 34. સુનીલ શાહ’s avatar

  એકદમ ટૂંકમાં કહું તો મઝા આવી ગઈ યાર…!

 35. વિવેક’s avatar

  હેમંતભાઈ,

  ઉર્દૂ અને એ અનુસાર હિંદી ઉચ્ચારશાસ્ત્ર ગુજરાતી ભાષાથી થોડું અલગ છે અને ગઝલના છંદો માત્રામેળ છંદની ખૂબ નજીકના હોવા છતાં મૂળભૂત રીતે ઉચ્ચાર પર વધુ આધારિત હોવાથી એ ચુસ્ત માત્રામેળ છંદો પણ નથી. ઉર્દૂ અને હિંદીમાં मेरा અને तेरा નો ઉચ્ચાર मिरा અને तिरा જેવો અનુક્રમે થતો હોવાથી ત્યાં આ શબ્દોને ‘લગા’ અને ‘ગાગા’ – એમ બંને માપમાં લઈ શકાય છે. ઉર્દૂ-હિંદી ભાષાની કેટલીક છૂટો આપણી ભાષામાં યથાવત્ ઊતરી આવી છે, જેમકે ‘કોઈ’, ‘એક’ વગેરે શબ્દો. ‘કોઈ’ ને તમે ‘ગાગા’, ‘ગાલ’, ‘લગા’ અથવા ‘લલ’ -કોઈપણ સ્વરૂપે વાપરી શકો છો. કોઈક ગઝલકાર તો આગળ વધીને એક જ ‘ગા’ તરીકે પણ વાપરે છે, એ જોકે ખોટું કહેવાય. ‘એક’ની ચર્ચા તો ઉપર થઈ ગઈ. પણ મેરા-તેરા પરથી ગુજરાતીમાં ‘મારું’ ‘તારું’ને ‘લગા’ તરીકે ન વાપરી શકાય…

 36. Bhavesh Joshi’s avatar

  Dear vivekbhai,

  wel done. this is beautiful thoughts from your heart. all the best.

 37. hemantpunekar’s avatar

  આભાર વિવેકભાઈ!

  અહીં ચાલતી ચર્ચાને કારણે એક સંસ્કૃત શ્લોક યાદ આવી ગયો. જેવો યાદ છે એવો લખું છું:

  काव्यशास्त्र विनोदेन कालो गच्छति धीमताम्
  व्यसनेन तु मूर्खानाम् निद्रयाः कलहेन वा

  વિદ્વાનોનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં પસાર થાય છે જ્યારે મૂર્ખોનો સમય વ્યસન, નિદ્રા કે કલહ (કજિયા-કંકાસ)માં પસાર થતો હોય છે.

  આ શ્લોક અનુસાર આપણે બધા જ વિદ્વાનો છીએ! આશા છે કે આવી ચર્ચાઓ ચાલુ રહેશે.

 38. pravina Kadakia’s avatar

  ગઝલ ખૂબ સુંદર છે. ડૂબી ગય્ર્લા જો તરી જાય અને જીંદગી બખિયાથી
  રફૂ થઈ જાય તો જીવન અને જીવનારની કિસ્મત ફરી જાય.
  સવારના પહોરમાં આ ગઝલ વાંચીને બસ મઝા આવી ગઈ.

 39. Bhavin Gohil’s avatar

  ખુબજ સુંદર સમજણ ની રમઝટ.. આભાર હેમંતભાઈ આવા સુંદર પ્રશ્નો પુછવા માટે અને બે ગણો આભાર વિવેકભાઈ આવી સુંદર સમજ આપવા માટે…

  ચર્ચાઓ માં આવી સમજણ આપતા રહેજો…

  Thanx once again,,,

  —————–

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

  આ અશઆર ખૂબજ ગમ્યા… “સુંદર ગઝલ”……. (તમારા નહિ પણ મારા શબ્દો માં)

 40. KAVI’s avatar

  મજા આવી
  ગઝલ વાંચવાની અને ચર્ચા વાચવાની પણ્.
  ગઝલ વિશે કૈ નહી કહુ,
  કરણ કે તે અનુભૂતિનો વિષય છે.

 41. girish’s avatar

  નથી સમજ મુજને કશી
  કોઇ છંદની કે કોઇ રાગની,
  ખરી કિંમત છે લખાણમાં
  રહેલા વિચારો ‘ને ભાવની.

  અતિ સુંદર લાગ્યું મને
  ભાઇ,તમારું આ લખાણ,
  નથી જડતાં શબ્દો મુજને
  કરવા તેના સાચા વખાણ.

 42. saryu Parikh,’s avatar

  પુરા રસથી કવિતા અને ચર્ચા વાંચી. આનંદ થયો.

 43. gopal h parekh’s avatar

  “કપડુઁ છો ફાટે શ્વાસનુઁ…….બખિયા” વાળી કડી ખુબ જ ગમી

 44. સુરેશ જાની’s avatar

  સરસ ભાવ. બધા શેર બહુ જ ગમ્યા.
  પણ …..
  એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,

  તમે ગમે તે ઉદાહરણો આપો, ગાતાં આ શેરનો લય નથી બેસતો.
  નીચે પ્રમાણે ગાઈ જોયું તો મને ઠીક લાગ્યું –

  એક રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા,

  વાંકદેખાપણા માટે માફ કરશો. મને છંદના વ્યાકરણની બહુ ખબર પડતી નથી, પણ જ્યાં સુધી ગાવામાં ન જામે ત્યાં સુધી ખુંચે છે.

 45. સુરેશ જાની’s avatar

  એ જ રીતે …
  ‘એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,’

  એક આ ગઝલો સમા લવચીક દેહને,….
  વધારે ઠીક નથી લાગતું?

 46. Ashok Karania’s avatar

  Wonderful thoughts beautifully expressed…

 47. sujata’s avatar

  SUR NI SAMAJ HOYE TO NAVO RAAG BANAVI SAKAAYE
  CHHaND NI SAMAJ HOYE TO AA CHARCHA NE AAGAD VADHARI SAKAAYE………..

 48. MITESH JOSHI’s avatar

  FENTASTIC THATS WHY I HAVE NO WORD FOR THAT AFTER READ THIS I M REFRESH

 49. Mukund Desai’s avatar

  Good.Lage raho Vivekbhai!

 50. searchgujarati’s avatar

  શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
  http://www.searchgujarati.com

 51. vinod gundarwala’s avatar

  Excellent Dr. Vivekbhai
  pls carry on your “Safar” to Gazals

  Expecting such fine Gazals in Diwaliiiiiiiiiiiiiii

  Happy Dussera

  vinod

 52. jaynulsinh Jadav’s avatar

  ખરએ ખર ખુબ સરસ શબ્દો અને લખણ આ વેબ સાઇટ મા. જેમા વખાણવા લાયક અને ઉમ્દા કિવતા ઓ છે્

 53. jaynulsinh Jadav’s avatar

  પ્રેમ ંમા કયારેય નીકટ હોવાની શરત ના હોય્,
  િબ્જ વ્ાવ્યા પછી ફળ પ્રાપતી તરત ના હોય,
  કોઈ ચાહેછે જયારે કોઇ ને તે વાત ગમ્ભીર છે,
  સનેહ ના સામ્રાજ્ય મા દોસત રમત ના હોય.

 54. jaynulsinh Jadav’s avatar

  આખો ભલે ઉદાસ છે, િદલ મા છતાએ આશ છે,
  ખુશબુ છે સ્વાશોસ્વાસ મા, આ કોન આસ પાસ છે,
  ભટક છુ એની શોધ મા, મારા હૈયા મા જેનો વાસ છે.

  “સુંદર ગઝલ”

 55. jaynulsinh Jadav’s avatar

  નીરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી ;
  પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !

  રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
  સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !

  ઉરે જલન અગ્ની્ની, નયનથી વહે વાહીની;
  અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?

  જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
  સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !

  ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
  દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !

  ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
  સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !

  ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
  સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !

 56. jaynulsinh Jadav’s avatar

  પાંપણમાં કેમ પૂરવો અંધાર સ્પર્શનો ?
  આવ્યો હવાને એટલે વિચાર સ્પર્શનો

  હોવાનો ભ્રમ હવે તો કશો સંભવે નહિં
  પહોંચી વળ્યો છે એટલો વિસ્તાર સ્પર્શનો

  તૂટી શકે ન એવો છે સંબંધ આપણો
  સ્મરણોની આંગળી રચે આકાર સ્પર્શનો

  મારી ત્વચા હજૂય બધી લીલી કાચ છે
  સમયના સર્પ ઝંખે છે આધાર સ્પર્શનો

  માટીની વાતો આપણે કર્યા કરી અને
  શ્વાસોમાં ઓગળી ગયો ચિત્કાર સ્પર્શનો

 57. વિવેક’s avatar

  પ્રિય જૈનુલસિંહ,

  આ ગઝલના પ્રતિભાવમાં બીડેલી આપની તમામ રચનાઓ ગમી.. સ્પર્શવાળી ગઝલ તો શિરમોર છે… આપની અંગત રચનાઓ વહેંચવા બદલ ખૂબ ખૂબ આભાર…

 58. Pinki’s avatar

  અરે !! ખૂબ સુંદર…… !!

  સ્પર્શવાળી ગઝલનો ચિત્કાર તો ખરે જ સ્પર્શી ગયો !!

 59. digisha sheth parekh’s avatar

  બહુ સરસ લખો છો..મારા ઓર્કુટ ના પ્રોફઈલ માં તમારી કવિતા મુકી હતી પણ ખબર નહતી તમારી છે,પછી નીરજે કહ્યુ..ત્યાર થી કોઇ કોઇ વાર આ તમારા ઉપવન માં ફરવા આવી જાઉ છું.ને મજા પડે છે…

 60. જયનુલિસ્્હ જ્ાદવ’s avatar

  લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
  દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

  એની બહુ નજીક જવાની સજા છે એ,
  મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

  રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
  મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

  એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
  જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

  એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
  એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

  સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
  પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

  કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
  કે જ્યાં જયનુલ્’ જેવો સમજદાર પણ ગયો.્

 61. જયનુલિસ્્હ જ્ાદવ’s avatar

  એવું નથી કે એંમ્ની ચાહત્ રહી નથી,
  અમનેય બંદગીની આદત રહી નથી.

  િનરજન જગાએ હોય કે લોકોની ભીડમાં,
  નારી, હવે તું ક્યાંય સલામત રહી નથી.

  ઠારી નરકની આગને, બાળી દે સ્વર્ગને, ્
  મતલબ િસ્વાય કોઈ ઈબાદત રહી નથી.

  અદ્દલ નકલ છે એની ખુશબૂથી તરબતર,
  ફૂલો સમાન કિન્તુ નજાકત રહી નથી.

  વ્હ્ી ગઈ છે લાગણઓ અશ્રુની ધારમાં,
  પાસે હતી જે િદ્લની િવ્રાસત રહી નથી.

  પડતી દશાના ખેલને આંખોથી જોઈ લે,
  ખંડેર છે ત્યાં ભવ્ય ઈમારત રહી નથી.

  ‘હૃદયને એટલે નાથી શક્યો નથી,
  મારી મનોદશા પણ યથાવત રહી નથી.

 62. જયનુલિસ્્હ જ્ાદવ’s avatar

  આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
  ખાલી થયેલ ગામમા સ્વાસો ન મોકલાવ.

  ફૂલો ય પુર બહારમાં હિંસક છે આજકાલ,
  રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

  તું આવ આજૅ કે પાડી રહ્યો છું સાદ હું તને,
  પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

  ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
  હોડી ડુબાડવાને તું દિર્યો ન મોકલાવ.

  થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
  તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

  આપ નૉ મીત્ર્

  જયનુલિસ્્હ જ્ાદવ.

 63. jugalkishor’s avatar

  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?

  આ પંક્તીઓ તો ગમી જ પણ તમે બધાંએ કરી તે ચર્ચા ખાસ ગમી. આ તમારા ચોરાહા પર સૌ ભેળાં મળીને સર્જનને જ નહીં પણ ક્યારેક સર્જન પ્રક્રીયાનેય ચર્ચી લે છે ત્યારે હેમંતે કહ્યું તે મજાક નહીં, સાચ્ચે જ જ્ઞાનીમાં ગણાવા જોઈએ.

  સૌને ધન્યવાદ. વિવેકને આગણે બીછાવેલી ગઝલની જાજમ પર સૌ ભેગાં થતાં જ રહે એવી આશા.

 64. CHAUDHARI PRATIK’s avatar

  એક વાત કહુ વિવેકભાઈ…..

  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?

  આ શેર પછી તમારી છંદો અંગેની આટલી લાંબી છણાવટ વ્યાજબી ન લાગે….શું કહેશો?

 65. niraj mehta’s avatar

  વાહ

  એક શેર યાદ આવે છે

  પરિવર્તનોને નડ્યું ઝાડવું
  ઈમારતની આંખે ચડ્યું ઝાડવું
  ચતુર્ભુજ અગ્રાવત ‘કાફિર’

 66. Rina’s avatar

  Awesome ghazal and awesome comments ….sir, can u Plz give me name of the publisher or the book shop and it’s phone no.from where I can get Dr. Maniar’s books….it will be grt favour:):)

 67. bhavesh’s avatar

  સરસ ખુબ સરસ્

Comments are now closed.