ઘડીભર લગાવ હોય નહીં

OLYMPUS DIGITAL CAMERA
(સફર, ગોધૂલિવેળાની…                          …ખીજડિયા, ફેબ્રુ, ૨૦૧૨)

*

નિતાંત લોભનો કોઈ બચાવ હોય નહીં,
બધું જ ત્યાગવું એવુંય સાવ હોય નહીં.

સફરમાં થોભવું મારો સ્વભાવ હોય નહીં,
બનાવ હોય નહીં તો પડાવ હોય નહીં.

હશે અવશ્ય કોઈ ચોર મનમાં પહેલેથી,
નકર આ હાવભાવ, આ તણાવ હોય નહીં.

કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.

ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.

જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.

એ પાછી નહીં જ ફરે, જીવ ! તું ઊઠાવ પડાવ,
હવે આ સ્થળનો ઘડીભર લગાવ હોય નહીં.

અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.

– વિવેક મનહર ટેલર
(૨૬/૨૮-૦૫-૨૦૧૨)

*

P5111822
(એક સફર આ પણ…                                 …કાશ્મીર, મે, ૨૦૧૨)

33 thoughts on “ઘડીભર લગાવ હોય નહીં

  1. ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
    તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.

    અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
    ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.

    waaaah

  2. જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
    નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.

    અગ્નિની શિખાના મુખમાં તળાવની વાત સાથે પીગળેલા સ્મરણના જમા થવાની વાત….

    લાગણીની પ્રવાહિતા એના કગાર પર અનુભવી….

  3. અડી-અડીને સપાટીને શું ફરે છે બધું ?
    ગઝલમાં બાકી નવાનો અભાવ હોય નહીં.

    – સરસ !

  4. એ પાછી નહીં જ ફરે, જીવ ! તું ઊઠાવ પડાવ,
    હવે આ સ્થળનો ઘડીભર લગાવ હોય નહીં

    વાહ કવિ… વાહ વાહ..!

  5. અને આ તમે કેમેરા થકી જે કવિતા કરી છે – એ જોઇ બીજી એક કવિતા યાદ આવી..

    ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
    સાંજ હીંચકા ખાય
    ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
    કણકણ થઇને ગોરજમાં વિખરાય.
    – અનિલ જોશી

  6. કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
    વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં…શબ્દો ની ગોઠવણી ને લાગણી ની ભાવુકતા કેટલી સહજતા થી ને સરળતાથી રજુ કરો છો …વાહ !!

  7. પ્રિય વિવેકભાઈ,જય શ્રેી ક્રિશન.આપનો આજનો દિન મન્ગલમય હો.તમે જે લખો તે લયમા ને સુરમા જ
    હોય.મને તો બહુ જ પસન્દ આવેી.

  8. કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
    વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં. ક્યા બાત હે

  9. ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
    તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
    વાહ અદભુત….

  10. ગયા ભવે શબ્દ-તપસ્યા બને કે હોય કરી ,
    નહી તો આમ શબ્દો નો વહાવ હોય નહી ………

  11. સરસ ગઝલ! કંકરાવ શબ્દ બહુ મજાનો છે.

    કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
    વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.

  12. બહુ જ સરસ.દરેક કાફિયાને સ્વભાવગત સુન્દર નિભાવ્યા છે. અસરકારક ગઝલ.

  13. Sir,
    It seems, you are HABITUATED to give very good and meaningful poems. Should i praise every poem? O.K. I will.

  14. ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
    તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.

    જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
    નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.
    સ રસ

  15. હશે અવશ્ય કોઈ ચોર મનમાં પહેલેથી,
    નકર આ હાવભાવ, આ તણાવ હોય નહીં.

    કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
    વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.

    ખુબ સરસ
    જય સ્વામિનારાયણ…

  16. સરસ ગઝલ માટે ડો. વિવેક્ભાઈ પાસે સમયનો અભાવ હોય નહી એ નક્કી છે,
    બધા જ શેર મનભાવન રહ્યા, આપને અભિન્દન……………

  17. કહું હું કેમ કે તું ક્યાંય રહી નથી મુજમાં ?
    વમળ ઊઠે છે, ભલે કંકરાવ હોય નહીં.

    ફરી ફરી વાંચવી ગમે એવી ગઝલ !

  18. ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
    તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં…વિવેકભાઇ તમારો આ શેર સુંદર છે જે મારા એક શેર સાથે આમ સામ્ય ધરાવે છે જુઓ:
    હશે ભીતરે કૈંક તો જોવા જેવું,
    હવા આવ જા કેમ કીધા કરે છે?

  19. વિવેક્ભાઇ,

    મોટા ભાગના શેર દિલ હચ મચાવી નાખે એવા છે.
    તમારી ગઝલો દિલને તો જરુંર સ્પર્શી જાય છે.

    વાંચતાં વાંચતા આ વિચાર આવી ગયો…

    બધા ડોક્ટરોમાં ભાઇ કવિત્વ હોય નહિ,
    અનુભવો વિના વેદના પણ હોય નહિ!

    “ચમન”

  20. @ ગૌરાંગ ઠાકર:

    આપની આ શેરવાળી ગઝલ મેં તાજેતરમાં પ્રગટ થયેલા “સંવેદન’ સામયિકમાં વાંચી. મેં આ ગઝલ જો કે મે મહિનામાં લખી છે… આટલું આપની જાણ ખાતર… કુશળ હશો.

  21. વિવેકભાઇ મારો આ શેર જે ગઝલમાં છે તે ગઝલ ઉદ્દેશમાં માર્ચ 2011માં આવી ગઇ છે..અને સંવેદનમાં જુલાઇ 2012માં ફરી છપાઇ છે.. જે માત્ર તમારું ધ્યાન દોરું છું..

  22. @ ગૌરાંગભાઈ:

    ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર… આપના શેર અને મારા શેર વચ્ચેનું સામ્ય ગજબનાક છે. શરૂથી જ શ્વાસ (અને શબ્દ) મારી ગઝલના મુખ્ય વિષય રહ્યા છે.. શ્વાસ વિશેના મારા શેર અહીં ટાંકતો નથી પણ શ્વાસ અને આવ-જાને લગતા કેટલાક શેર મને યાદ આવે છે એ અહીં ટાંકું છું:

    શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
    રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

    હવાની આવ-જા હો એમ પાનાં ઊંચાં-નીચાં થાય,
    ગઝલનાં ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

    હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું,
    તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું.

    આવનારા હતા ને જનારા હતા,
    શ્વાસના બે ઘડીના ઉતારા હતા.

  23. જમા થયા હશે તારા સ્મરણ ત્યાં પીગળીને,
    નકર આ જ્વાળાના મુખમાં તળાવ હોય નહીં.
    વાહ ….. વાહ ……!!

Leave a Reply to 'Sahaj' Cancel reply

Your email address will not be published. Required fields are marked *