તસ્બી ગઝલ (તર્કની દુનિયા વસાવી લીધી છે)


(નવો સંપર્ક….                             …પેઇન્ટેડ સ્ટૉર્કસ, ખીજડિયા, ફેબ્રુ, 12)

*

સ્વર્ગમાં તેં નર્કની દુનિયા વસાવી લીધી છે,
મેંય મારી તર્કની દુનિયા વસાવી લીધી છે.

જૂના સરનામે નહીં પણ જૂનાં સ્મરણોને પૂછો –
મેં નવા સંપર્કની દુનિયા વસાવી લીધી છે.

હું હવે બરબાદીની ત્સુનામીથી ડરતો નથી,
લાખ બેડા ગર્કની દુનિયા વસાવી લીધી છે.

ભૂલી જઈને કર્મબોધ આ દુનિયાએ રગરગ મહીં,
અર્ક નામે કર્કની દુનિયા વસાવી લીધી છે.

અંતની ચિંતા શી ? એક ભાષાએ જ્યાં બીજાની સંગ
આપ-લેના અર્કની દુનિયા વસાવી લીધી છે.

શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.

નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે
સ્વર્ગમાં મેં નર્કની દુનિયા વસાવી લીધી છે.

-વિવેક મનહર ટેલર
(૦૪-૦૪-૨૦૧૨)

*


(ઊડાન……..                              ….સિગલ, જામનગર, ફેબ્રુ,12)

22 thoughts on “તસ્બી ગઝલ (તર્કની દુનિયા વસાવી લીધી છે)

  1. શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
    નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે.

    નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે
    સ્વર્ગમાં મેં નર્કની દુનિયા વસાવી લીધી છે….વાહ….

  2. શૂળી, ગોળી, ઝેર કંઈપણ આપ તું, પણ મેં હવે
    નહિ પડે કંઈ ફર્કની દુનિયા વસાવી લીધી છે…

    આવી નવી દુનિયા નર્કની સ્વર્ગમાં ડોક્ટર સાહેબે કેમ વસાવી લીધી છે? મરીજો નો ઈલાજ કોણ કરશે?

  3. મસ્ત ગઝલ
    જૂના સરનામે નહીં પણ જૂનાં સ્મરણોને પૂછો –
    મેં નવા સંપર્કની દુનિયા વસાવી લીધી છે.
    ત્યારે શું ?
    પ્રેમ નહીં ફરેબ હતો એ, દિલમાં એના જગ્યા જ નહોતી,
    દુનિયા વસાવી લીધી એણે, તારી જરૂરત એને નહોતી !

    અંતની ચિંતા શી ? એક ભાષાએ જ્યાં બીજાની સંગ
    આપ-લેના અર્કની દુનિયા વસાવી લીધી છે.
    ખૂબ સ રસ વાહ્

    તમને પૂછવાનો સમય પણ ના રહ્યો અને
    તમારી દોસ્તીમાં અમે દુનિયા વસાવી લીધી…

    સ્વર્ગમાં તેં નર્કની દુનિયા વસાવી લીધી છે,
    મેંય મારી તર્કની દુનિયા વસાવી લીધી છે.
    અમૃતા પ્રીતમની કવિતામાં
    પ્રેમને માટે નવી દુનિયા વસાવવાની વાત વારંવાર આવે છે.
    પછી વર્ષોના મોહ ને-
    એક ઝેરની જેમ પીને
    એણે કંપતા હાથે મારો હાથ પકડ્યો
    ચાલ ! ક્ષણોના માથા પર એક છત બાંધીએ

  4. ભૂલી જઈને કર્મબોધ આ દુનિયાએ રગરગ મહીં,
    અર્ક નામે કર્કની દુનિયા વસાવી લીધી છે………….speechless…

  5. બહુ સરસ ગઝલ લખી છે.

    જે ભાળ્યું તેનું શબ્દસહ વર્ણન્.

    જે અનુભવ્યું તેનું આલેખન્

    જે હકિકત છે તેનું ચિત્રણ્

    visit

    http://www.pravinash.wordpress.com

  6. વિવેક

    સુંદર ગઝલ, ખાસ કરીને
    … જૂના સરનામે નહીં પણ જૂનાં સ્મરણોને પૂછો –
    મેં નવા સંપર્કની દુનિયા વસાવી લીધી છે. …

    નીચે ની કડી માં “કર્ક” ખબર ના પડી …
    … ભૂલી જઈને કર્મબોધ આ દુનિયાએ રગરગ મહીં,
    અર્ક નામે કર્કની દુનિયા વસાવી લીધી છે…

  7. અઘરા કફિયાને સમરસ કરતી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *