તરહી-મુશાયરો


(ડાબેથી મંચસ્થ રવીન્દ્ર પારેખ, અમર પાલનપુરી, નયન દેસાઈ અને હું… ૧૭-૦૩-૨૦૦૭)
(મોબાઈલ વડે લેવાયેલ ફોટોગ્રાફની નબળી ગુણવત્તા બદલ ફરીથી ક્ષમાયાચના…. ) 

 માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

– વિવેક મનહર ટેલર

‘નર્મદ સાહિત્ય સભા’, સુરતના ઉપક્રમે ૧૭-૦૩-૨૦૦૭, શનિવારના રોજ શૂન્ય પાલનપુરીની યાદમાં એક તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શૂન્યની પંક્તિ ‘દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે’ ઉપર હું ગઝલ લખવા બેઠો ત્યારે અચાનક યાદ આવ્યું કે આ જ છંદ, આજ રદીફ-કાફિયા વાપરીને એક ગઝલ હું આગળ લખી ચૂક્યો છું. એકાદ-બે અપવાદને બાદ કરતાં પરીક્ષાઓમાં તો ચોરી કરવાની નોબત આવી ન્હોતી, પણ આ મુશાયરા માટે મેં મારી આખેઆખી ગઝલ જ ચોરી લીધી, ફક્ત શૂન્યની પંક્તિ ઉપર એક મિસરો જોડી દીધો, બસ! મુશાયરો કેવો રહ્યો એ તો શ્રોતાઓ જ જાણે!

12 thoughts on “તરહી-મુશાયરો

  1. શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
    ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

    સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
    લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.

    હવે ખબર પડી તમે આવું સારું કેમ લખો છો !!!

  2. શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
    માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,

    બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
    વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

    this is so nice ….agar ame kahiye ke hava ne tan che to anane atala sarash kavya ane kavita ane gazal…koni pase thi male…ame to kahishu ke tamara mate hava ne ” તાણ ” nathi…aajivan free…not sample …original pack ..che

  3. પહેલાં આખી ગઝલ વાંચી ગઇ તો લાગ્યું કે આ તો આગળ વાંચી હોય એવું લાગે છે… પછી જ્યારે તમારું લખાણ વાંચ્યું ત્યારે તમારી ‘ચોરી’નો ખ્યાલ આવ્યો…

    એમ તો બધા જ શેર ખુબ જ સરસ અને એકદમ ચોટદાર છે…

    ઇંદ્રિયના આ ઢોરને કાબૂમાં કરશો કેમ?
    દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

    પણ ‘આજે’ આ એક શેર જરા વધુ ગમી ગયો!

    અને…

    અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
    ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

    આ શેરથી તો તમે મને જ ફટકો માર્યો હોય એવું લાગ્યું ! 🙂

  4. સિધ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું…

    ખૂબ સરસ રચના.અભિનન્દન,વિવેકભાઇ.

  5. બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
    વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

    this one i like most but તરહી means what?

  6. કોઈ નામી શાયરની ગઝલની કોઈ એક પંક્તિ અગાઉથી આપી દેવામાં આવે અને એ પંક્તિ પર બધા કવિઓ પોતાની ગઝલ રચીને લાવે એનું નામ તરહી મુશાયરો. પ્રથમ દ્રષ્ટિએ સરળ લાગતી આ રમત હકીકતે થોડી અઘરી છે. એકસરખો છંદ, એકસરખો રદીફ અને કાફિયાના મર્યાદિત વ્યાપના કુંડાળામાં રહીને તમે જ્યારે ગઝલ રચો છો ત્યારે તમને ખબર છે બીજા કવિઓ પણ આજ કાફિયા વાપરવાના છે અને આ સમાનતાની વચ્ચે તમારે તમારી ભિન્નતા સાબિત કરવાની છે. તમારા કવિત્વની હાથોહાથ સરખામણી થઈ જાય એવી કસોટીનું બીજું નામ છે તરહી-મુશાયરો.

  7. ‘શબ્દો છે શ્વાસ તમારા’ એવી ઓળખાણ છે;
    ઉભરે જે ઉચ્છવાસ જાણે ગઝલની ખાણ છે.
    ‘દિલ’ને એવી થઈ છે ખાતરી અહીં ‘વિવેક’,
    પુષ્પથીય પોચો તવ પ્રાણ ચમકપ્હાણ છે!

    આપના શ્વાસોચ્છવાસ ગઝલની ખુશ્બોથી સદા સભર રહો!

  8. માંગું અગર હવા ય તો કહેશે કે તાણ છે,
    દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.

    શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
    ચારેતરફ આ લોહીમાં અક્ષરની આણ છે

    અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
    ઊભા છો જ્યાં આ પાણી તો ઢીંચણસમાણ છે.

    બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
    વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

    બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
    આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

    awesome….

Leave a Reply to sujata Cancel reply

Your email address will not be published. Required fields are marked *