સઘળું બંધ

આપણો પૂરો થયો સંબંધ, ને લ્યો સઘળું બંધ,
શ્વાસ ભીતર રહી ગયા બસ ચંદ, ને લ્યો સઘળું બંધ.

તું ગઈ ને દુનિયા મારી એવી ભારીખમ્મ થઈ,
શીર્ષધરના પણ નમી ગ્યા સ્કંધ, ને લ્યો સઘળું બંધ.

હું કદી તુજ રાહના કંટક હટાવું ના હવે,
ખાધા ના ખાવાના મેં સોગંદ, ને લ્યો સઘળું બંધ.

મિત્રતાની ઢ્રૌપદીના ચીર ક્યાંથી કૃષ્ણ દે?
વાયદાઓ ભીષ્મ, શ્રદ્ધા અંધ, ને લ્યો સઘળું બંધ.

જીતવાને એક ગઢ, સિર સેંકડો કરવા કલમ,
જીદ્દનો કેવો ઋણાનુબંધ, ને લ્યો સઘળું બંધ.

અંતે પણ તેં ના કર્યા આક્ષેપ, ના કારણ કહ્યાં,
ઝઘડાનો અવકાશ સાવ જ મંદ, ને લ્યો સઘળું બંધ.

આ ગઝલના શ્વાસમાંથી તું ઊડી ગઈ ને હવે,
શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

-વિવેક મનહર ટેલર

5 thoughts on “સઘળું બંધ

 1. આ ગઝલ ના શ્વાસ માં થી તું ઊડી ગઈ ને હવે,
  શબ્દ ક્યાંથી રહી શકે અકબંધ, ને લ્યો સઘળું બંધ.

  સરસ. ‘ને સધળું બંધ’ નો નવીન પ્રયોગ સુંદર અસર જન્માવે છે.

  – ધવલ.

 2. what a lovely thought. kya baat hai!!!!!! ye gazal to dil ko gaharai tak chu jati hai.. tooooooo gooood

 3. અંતે પણ તેં ના કર્યા આક્ષેપ, ના કારણ કહ્યાં,
  ઝઘડાનો અવકાશ સાવ જ મંદ, ને લ્યો સઘળું બંધ

Comments are closed.