તે હતી ગઝલ


(બગાસું….                                   ….રણથંભોર, 03-12-2006)

*

જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશબૂને સૌએ કહી ગઝલ.

જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની ? તકિયો બની ગઝલ.

દીવાલ સાવ કોરી તો ચાલે ન એટલે
મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

-વિવેક મનહર ટેલર

22 thoughts on “તે હતી ગઝલ

 1. કિનારો કરીને બેઠી છે તારી યાદ મુજ્થી
  પાંપણ સુધી આવીને અટકી ગઈ ગઝલ

 2. દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
  મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

  આ વાત ખુબ જ ગમી!

  પ્રશંસાનો શબ્દકોષ કંગાળ થયો છે, તોયે કહેવું છે,
  દર વખતની જેમ લખી છે આ પણ સુંદર ગઝલ!

 3. ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  સરસ વાત !

 4. વાહ.. મજા આવી…. ખૂબ ગમી આ ગઝલ… !!!

  ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
  ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

  ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

 5. અદ્ ભુત્ ! ડૉક્ટર, સ્ટેથોસ્કોપમાં ન પકડાય એવા ધબકારા તમે શબ્દોની અંદર સમાવી દીધા છે !!માનવ શરીરની અંદર ઝાંખી શકતો ડૉક્ટર મનનું આટલું સૂક્ષ્મ ડિસેક્શન કરે એટલું જ નહીં એને સૌ સમક્ષ પ્રત્યક્ષ કરી આપે એને શું કહીશું ?

  આ સવાલ કવિતા-સર્જનની ચર્ચાનો મુદ્દો બનાવો , યુવાન મિત્રો ! અહીં એક રહસ્યને જાણવા-શીખવાનો સરસ પાઠ પડ્યો છે. એને સૌ ભેળાં થઈ છંછેડો. દોસ્તો !

  કોરી દીવાલ ; તકિયો ; શ્વાસ ; ઝાકળ અને એવા જ બીજા શબ્દોની પાછળ રહેલા ઈંગીતાર્થો-નિર્દેશો-‘ધ્વનિઓ’ સમજવાનું અને એને ઉપયોગવાનું શીખવા માટેની સામગ્રી છે. આપણા ચર્ચા-ચોતરે એને નિમંત્રીને માણવા જોઈએ.

  આવી મઝાની રચનાને મથાળે રણથંભોરના આવા જરઠને અને તેય બગાસતો બતાવવા પાછળનો ઉદ્દેશ સમજાયો નહીં ! કમસેકમ આ રચના તો બગાસાને લાયક નથી જ !!

 6. ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  વાહ! વિવેક્ભાઇ!

 7. ડોક્ટર સાહેબ, મને તો આ શેર ખુબ જ ગમ્યો,

  મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

  એ બે વાત મા ઘણે ફરક છે
  કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લેવામાં અને કોઈકના નામ લઈ ઉંડો નીસાસો નાખવામા
  અને એ બે અલગ અલગ વાત ને સમજાવવી અઘરી ખરી…

  જેમાની એક વાત તો ડોક્ટર સાહેબે અહી આસાની થી સમજાવી દીધી

  કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લઈએ તો ખરેખર આવુ જ કઈક થતુ હશે
  લોહીના પાને-પાને એ નામની ગઝલ ઉભરતી હશે…..

 8. excellent, Fabulus…,superb…

  read in guj;

  kahu su kharab e keva che!
  puch ghaa ne e gulab keva che!

 9. વિવેકભાઈ ,
  ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
  ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
  સુંદર..
  ખલિલ ધનતેજવી ની એક પંક્તિ યાદ આવી
  ” એથી નાજુક સ્પર્ષ બીજો હોય શું…
  મને પાણી નાં પરપોટા ને અડતાં આવડી ગ્યું છે…..

  મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

  વાહ ક્યા બાત હૈ…………….

  જય ગુર્જરી
  ચેતન ફ્રેમવાલા

 10. વાહ મજા પડી ગઇ…. ખુદ કરે કલમ ઔર જ્યદા……! હરદ્વાર ગોસ્વામી

 11. મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ. વાહ વિવેકભાઈ સરસ થઈ ગઝલ્…

 12. ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  કયામત સુધી જેની પ્રતીક્ષા કરવા મન તૈયાર હોય એને માટે અણસારની કૂંપળ ફૂટ્વાની ક્ષણે જ મિલનનું આકાશ વિસ્તરતું હશે ને!

 13. વાહ્ , ખુબ સુન્દર ગઝલ ..
  ‘ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.’……કહેવુ પડે…..બાકી આજકાલ ગઝલ બિલાડીના ટોપની જેમ ફૂટી નિક્ળે છે.

 14. સુન્દર રુપક અને ઉપમાઓ – ખુબ આહલાદક રચના

Comments are closed.