હવે

OLYMPUS DIGITAL CAMERA
(તારી પ્રતીક્ષામાં…     ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)

*

ગયા શનિવારે આજ છંદ અને આજ કાફિયા સાથે એક ખુલ્લી શક્યતાઓવાળી ગઝલ આપે માણી હશે જેમાં વાક્યાંતે ‘અને’ રદીફ હોવાના કારણે શેર જ્યાં પૂરો થતો હતો ત્યાંથી ફરી શરૂ થતો હોય એમ એકાધિક નવા જ અર્થ ઊઘડે એવી શક્યતાઓ મેં નાણી જોઈ હતી. આજે એજ ભાવવિશ્વને દાબડીમાં બંધ રાખતી ‘હવે’ રદીફ સાથેની આ ગઝલ… આશા રાખું કે આપ સહુને ગમશે. બંને ગઝલોને ફેસ-ટુ-ફેસ વાંચીને પ્રતિભાવ આપશો તો વધુ ગમશે. આભાર !

*

આમ યાદો ન મોકલાવ હવે,
આવ, બસ ! આવ, આવ, આવ હવે.

રાખ કાબૂમાં આ લગાવ હવે,
આડખીલી થશે સ્વભાવ હવે.

ક્યાં સુધી ચાલે આવજાવ હવે ?
આખરી આવ્યો છે પડાવ હવે.

ગામ ભરની ઉપાધિ માથા પર
નોતરી બેઠો છે, ઉઠાવ હવે.

કેટલો કરશે વાત પર વિશ્વાસ ?
બે ઘડી તો જો હાવભાવ હવે.

ફક્ત નિર્મોહ રહેશે મારો તો,
તું જડ્યા બાદ સ્થાયીભાવ હવે.

સાવ ખાલી જ થઈ ગયો છું હું,
એક ગઝલ તુંય સંભળાવ હવે.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૪-૨૦૧૧)

*

P5198476
(આવ, બસ ! આવ, આવ, આવ હવે….   …સાન ફ્રાન્સિસ્કો, ૦૯-૦૫-૧૧)

22 thoughts on “હવે

  1. ગામ ભરની ઉપાધિ માથા પર
    નોતરી બેઠો છે, ઉઠાવ હવે.

    ગામભરની તો ખબર નથી પણ….. !

  2. Dear Vivek,

    I have recently started my weekly news paper explorer and I wish you give me your creations to publish in it. its a gujarati weekly . I love to have it.

    thanks and congrats for nice creation.

    arpit shukla
    9824577788

  3. કેટલો કરશે વાત પર વિશ્વાસ ?
    બે ઘડી તો જો હાવભાવ હવે…..

    સુંદર વિવેક અન્કલ ખૂબ જ ઊંડું લખ્યું છે….

  4. સાવ ખાલી જ થઈ ગયો છું હું,
    એક ગઝલ તુંય સંભળાવ હવે………..જિયો…..

  5. આવ, બસ ! આવ, આવ, આવ હવે.—— આતુરતા કાવ્યાત્મક બની રહી. @અર્પિત્ વાન્ધો ન હોય તો સાપ્તાહિક ની લિન્ક મોકલશો.

  6. ‘અને…” તથા ‘હવે’.. બંને શક્યતાઓનો ભરપુર નિર્દેશ કરે છે. સુંદર પ્રયોગ.વાહ…

    ગામ ભરની ઉપાધિ માથા પર
    નોતરી બેઠો છે, ઉઠાવ હવે.

  7. મઝાની ગઝલ
    કેટલો કરશે વાત પર વિશ્વાસ ?
    બે ઘડી તો જો હાવભાવ હવે.

    ફક્ત નિર્મોહ રહેશે મારો તો,
    તું જડ્યા બાદ સ્થાયીભાવ હવે.
    વાહ્

  8. શ્રી વિવેકભાઇ,
    બન્ને રચનાઓ ખૂબજ સરસ…

    ફક્ત નિર્મોહ રહેશે મારો તો,
    તું જડ્યા બાદ સ્થાયીભાવ હવે.

    – આ વધારે ગમી-અભિનંદન.
    અને,
    આપને અ.સૌ. વૈશાલી ચી.સ્વયમ બધાને દિપાવલી અને નૂત્તન વર્ષ પર્વ નિમિત્તે અઢળક શુભકામનાઓ.

  9. ક્યાં સુધી ચાલે આવજાવ હવે ?
    આખરી આવ્યો છે પડાવ હવે….

    સરસ રચના !

    ‘હવે’ રદીફ ગમ્યો. સરસ નિભાવ્યો છે.
    આનંદ થયો.

  10. બન્ને ગઝલો પોતપોતાની રીતે સરસ છે.

    અને રદીફમાં ભાવકની જવાબદારી વધે છે; મજબૂત દાંતથી શેરડી ખાવાની મઝા….. તો હવે રદીફ વાળી ગઝલમાં રસનો મસાલેદાર પ્યાલો સીધેસીધો ભાવકના મોઢાંમાં રેડાય છે.

Leave a Reply to Kirtikant Purohit Cancel reply

Your email address will not be published. Required fields are marked *