સુરેશ દલાલની કલમે રાધાની આંખ…

DB1DB2

(‘હયાતીના હસ્તાક્ષર’, શ્રી સુરેશ દલાલ…                        …દિવ્ય ભાસ્કર, રવિ પૂર્તિ, ૧૦-૦૪-૨૦૧૧)

*

યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.

 

જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ
એ દી’ આ વાંસળીએ ગાયું
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી! સાંખી શકે તો જરી સાંખ!
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

ગોધૂલીવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
ચોર્યાસી લાખ તણી ચાદર
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

– વિવેક મનહર ટેલર

કવિના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ ‘ગરમાળો’માંથી આ ગીત લઉં છું. એમનો એક બીજો કાવ્યસંગ્રહ પણ હમણાં પ્રગટ થયો એનું નામ છે ‘શબ્દો છે શ્વાસ મારા.’ ગીત ગઝલ, અછાંદસ મુક્તક-આ બધું કવિની કલમને વશ છે. કવિએ પ્રથમ પંક્તિથી જ એક કાલ્પનિક ચમત્કારિક કૃતિ સર્જી છે. આ ચમત્કાર પાછળ કોઈ કથા, દંતકથા કે પૌરાણિક કથા હોય તો મને ખ્યાલ નથી. પણ યાદ છે ત્યાં સુધી અમેરિકામાં આત્મીય મોરારિબાપુએ જમુનાના જળની વાત કરતા આવો એક પ્રસંગ ટાંકયો હતો. મૂળ આનંદ તો કવિએ લયમાં ઝીલેલી જે વાત છે એનો છે.

આ યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે. રાધાની આંખ જ તીર્થધામ છે. મંદિરોને પડતા મૂકવાની વાત છે. આ બધાં તીર્થધામો કે મંદિરો એ તો રાધાના ઝુરાપામાં પડતા મૂકવા જેવાં છે. એક એક પળ ગોપી હોય છે પણ પળે પળેનું સાતત્ય એ રાધા છે. રાધાને પણ એના સપનાં તો હોય, પણ એ સપનાંના સાતે રંગ રેલાઈ ગયા પછી એક મોરપિચ્છ થયું. જ્યારે હૃદય ફાટફાટ થયું ત્યારે તો એની ઘેલછામાંથી વાંસળીનું ગીત સૂર રૂપે પ્રગટયું. મોરલીમાં પણ ચિક્કાર વ્યથા છે. જન્મોજન્મની કથા છે. એની વેદનાના સૂર વીંધી નાખે એવા છે. એને જીરવવા સહેલા નથી. જીરવવું અને જીવવું એ બન્ને લગભગ અશક્ય છે.

સાંજનો સમય છે. ગોધૂલીની વેળા છે. એની ડમરીમાં આખું આયખું ડૂબકી મારે છે અને ખાલીખમ પાદર થઈને ખૂંદે છે. અહીં ફાટફાટ લાગણી છે પણ લાગણીવેડા નથી. ખુલ્લેઆમ કથન છે પણ વેવલાવેડા નથી. ચોર્યાસી લાખના ફેરાની ચાદર ઓછી પડે એવાં રૂંવાડાઓ છે. માત્ર આ એકાદ આયુષ્યની વાત નથી પણ સમગ્ર ભવાટવિની વાત છે. ઝંખના છે પણ દઝાડે એવી છે અને એ ઝંખના પણ એવી છે કે એને કદી ઝાંખપ ન લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ સનાતન અને અમર છે. યમુનાના જળ કે રાધાની આંખ કદી સુકાવાનાં નથી. આ સાથે આ કવિનું બીજું ગીત જોઈએ જેથી કવિની ગીતની ગુંજાશનો ખ્યાલ આવે.

બળબળતા વૈશાખી વાયરા
ધગધગતી રેતીને રંજાડે, સંઈ! જયમ આંખ્યું ને કનડે ઉજાગરા

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીખા તીણા નહોર
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે આખ્ખી બપ્પોર
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા
બળબળતા વૈશાખી વાયરા

સીમ અને વગડો ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો
લાગે ટાઢા આ ઊના પવંન
બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!
બળબળતા વૈશાખી વાયરા

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

29 thoughts on “સુરેશ દલાલની કલમે રાધાની આંખ…

  1. આ તો થવાનું જ હતું….

    ન લખાત તો કદાચ આશ્ચર્ય થાત. અને લખાયું જ…..

  2. સુંદર ગીત એના આસ્વાદ સાથે ફરી માણવું ગમ્યું! અભિનંદન!!
    સુધીર પટેલ.

  3. યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.
    અભિનંદન!….મન મોહક…

  4. ખૂબજ સરસ કલ્પના કરીને કાવ્ય અવિસ્મરણિય રચ્યું છે, મારી પ્ંક્તિઓ મૂકવાની લાલચ રોકી નથી શકતો.
    “રાધાની આંખ લાલ ચટક જોઈને, કૃષ્ણ પછે સખી આમ કેમ્?
    છણકો કરીને રાધા એ કીધું કે, વેણુમાં મેલ્યું મારું નામ કેમ?
    હસે રાધાને હસેછે કાનજી, હસે ગોકુળીયું ગામ એમ,
    હૈયામાં હોય તે હોઠ પર આવે, હોઠનું વેણુમાં વાય એમ.”
    “સાજ” મેવાડા

  5. વિવેકભાઈઃ
    રાધાના પ્રેમથી છલોછલ ભરેલા ગીતે રૂંવાડાં ખડાં કરી દીધાં.
    આપણે હજુ રૂબરુ મળ્યા નથી પણ તમારાં કાવ્યો તથા ‘લયસ્તરો’ દ્વારા આપણી આત્મિયતા સધાઈ છે.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  6. દિલ કો તાર તાર કર દિયા રાધા ના દર્દ ને ક્યા કોઇ પુચ્હે ચે

  7. વિવેકભાઈ, ખૂબ સુંદર રચના છે.

    જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
    તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ………….

    વાહ!!!! અભિનદન ……

  8. મોડા વાઁચીને કાવ્ય માણ્યુઁ પણ મજા તો આવી જ !
    સાભાર અભિનઁદન !હવે તો દર્શન દો ઘનશ્યામ !!

  9. કવિ સુરેશ દલાલનુ આ સદભાગ્ય છે આટલી સરસ કવિતાનો આસ્વાદ કરાવવાનો તેમ ને મોકો મલ્યો !!!!!!! ખરે ખર હદયની વાત કરુ તો સાચ કાવ્યને કોઇ આસ્વાદની જરુરત જ ન પડૅ, કવી વિવેકનુ આ ગીત મને બહુ જ ગમ્યુ, ખરે ખર આ ગીત છે ગાયન નથી એટલે તો સુરેસભાઈએ પ્રેમથી વધાવ્યુ છે….

  10. યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.

    રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
    તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
    વાહ વાહ ખૂબ સુંદર લાખો છો તમે…!!!

  11. સુંદર ગીત એના આસ્વાદ સાથે ફરી માણવું ગમ્યું

  12. ગોકુલ કેરિ ગોપિઓના વહ્યા આન્ખ થિ કાજલ !

    શ્યામ થયા તે દિવસ થિ જમના જિ ના જલ !!

    -કવિ શ્રિ જયન્ત પલાણ .

  13. ખુબ સરસ – બન્ને ગીતો.

    તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ

    તેમજ

    બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!

  14. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

Leave a Reply to મીના છેડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *